સાકરનો શોધનારો
Sakatno Shodhanaro
1. પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો :
પ્રશ્ન 1. અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે?
ઉત્તરઃ
‘લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રંગ થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે….’ અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે. આ બધું યાદ રાખવાની મહેનત કરે છે, પણ એમાં એ ફાવતો નથી.
પ્રશ્ન 2. અંજન કિન્નરી પર ખિજાયા પછી કઈ લાગણી અનુભવે છે?
ઉત્તર:
અંજન કિન્નરી પર ખિજાયા પછી બહેનને દુભવ્યાની લાગણી અનુભવે છે.
પ્રશ્ન 3. નિખિલરાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી?
ઉત્તરઃ
અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજે દિવસે બાટલી તોડે છે. આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યાં અને આખા ઘરમાં ડાઘા પાડ્યા. નિખિલરાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી.
પ્રશ્ન 4. અંજન કેવી વ્યથા અનુભવે છે.?
ઉત્તરઃ
અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતાં સતત ટોકતા રહે છે અને વઢે છે. તે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટા જેવાં રમવાનાં સાધનો લઈ લે છે. આથી તેનો આનંદ મરી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે.
અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે તેને તાવ આવ્યો. એની મા માને છે કે એના બાપુ વસ્યા ન હોત તો તે માંદો ન પડત, તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે, પણ અંજન માને કે બહેનને દોષિત ગણતો નથી. એ તો પોતાના નસીબનો જ વાંક કાઢે છે.
પ્રશ્ન 5. ભાસ્કરરાયનો અંજન વિશે શો અભિપ્રાય હતો?
ઉત્તરઃ
અંજન વિશે ભાસ્કરરાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે એટલે એને રૂંધી ન નખાય, એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ. જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહિ, પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે.
2. આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તાલેખન કરો.
શીર્ષક : સંપ ત્યાં જંપ.
ઉત્તરઃ
એક હાથી હતો. પહાડ જેવો તગડો હાથી. એને પીપળાનાં પાન બહુ ભાવે. એક દિવસ એ પીપળાના ઝાડ પાસે આવ્યો ત્યારે એક ડાળ પર મકોડાની હાર પસાર થતી હતી. હાથીભાઈ તો મોટાં અને કૂણાં પાન ખાવામાં મશગૂલ થઈ ગયા.
મકોડાઓએ તેમને વિનંતી કરી, “હાથીભાઈ, બે ઘડી ઊભા રહો. અમે ડાળ પરથી ઊતરી જઈએ પછી તમે આરામથી પાન ખાજો.” પણ હાથીભાઈએ ગર્વથી કહ્યું, “તમે મને રોકનાર કોણ?” એમ કહીને હાથીએ સૂંઢથી ડાળી તોડી નાખી.
મકોડાઓ હાથીથી બચવા ઝાડ પરથી ભૂસકા મારવા માંડ્યા. એમાં કેટલાંક બચ્યાં હતાં. કેટલાક ઘરડા હતા. હાથીએ તો કોઈની પરવા કરી નહિ. હાથીએ તો મોટી ડાળ પર સૂંઢ વીંટીને જરાક જોર કર્યું ત્યાં કડડ કરતી ડાળ તૂટી. મકોડાઓ ભાગંભાગ કરી ભૂસકા માર્યા.
એમાં કેટલાકને વાગ્યું, કેટલાક અથડાયા. કેટલાક પછડાયા. કેટલાક તો મરી ગયા. હાથી તો પેટ ભરીને પાન ખાધાં પછી ડોલતોડોલતો ચાલવા લાગ્યો.
મકોડાઓએ હાથીભાઈને બરાબર પાઠ ભણાવવાનો વિચાર કર્યો. હાથીભાઈ પીપળાનાં પાન ખાઈને તલાવડીમાં પેઠા અને પાણીમાં છબછબિયાં કરવા માંડ્યા. હાથીભાઈ તો ગેલમાં આવી ગયા. પાણી પીને હાથી તલાવડીમાંથી બહાર નીકળીને જાંબુના એક ઝાડ નીચે છાંયામાં સૂઈ ગયા.
હાથી ઘસઘસાટ ઊંઘતો હતો. એવામાં એક, બે, દસ, સો, હજાર જેટલા મકોડાઓ ગાતા – ગાતાં આવ્યા અને “હાથીડા રે હાથીડા,
“વેર લેવા આવ્યા છીએ; ચટક ચટકા લાવ્યા છીએ.”
એમ ગાતા – ગાતાં થોડીવારમાં મકોડાઓ આવીને હાથીના શરીરના જુદા જુદા ભાગો પર ગોઠવાઈ ગયા. એક, દો, તીન એમ અવાજ કરતાં જ મકોડાઓ તે હાથીને ડંખ મારવા લાગ્યા. હાથી જાગી ગયો.
હાથી કૂદતો જાય, પૂંછડી ઉલાળતો જાય, કાન ફફડાવતો જાય અને ઉંહકારા કરતો જાય, પણ મકોડા સાંભળે જ નહિ. તેઓ તો ડંખ ઉપર ડંખ અને ચટક ચટકા મારતા જ જાય.
હાથીભાઈએ મકોડાઓની માફી માગી. હવે કદી આવી ભૂલ નહિ કરું એની ખાતરી આપી ત્યારે બધા મકોડાઓ હાથીભાઈના શરીર પરથી ઊતર્યા.
હાથી તલાવડી તરફ દોડ્યો, પણ હાથીએ તલાવડીમાં માછલીઓને પણ પરેશાન કરી હતી એટલે બધી માછલીઓ તેના કાનમાં ગલીપચી કરવા લાગી. હાથી તો કૂદાકૂદ કરે, પણ માછલીઓ હાથીને છોડે નહિ. હાથીએ માછલીઓની પણ માફી માગી ત્યારે માછલીઓ આઘીપાછી થઈ ગઈ.
આમ, મકોડાઓએ અને માછલીઓએ સંપથી હાથીને બરાબર પાઠ ભણાવ્યો.
3. તમે વાંચેલાં પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગયું અને શા માટે તે લખો.
ઉત્તરઃ
મેં વાંચેલાં પુસ્તકો પૈકી મને તારક મહેતાનું “દુનિયાને ઊંધાં ચશ્માં’ પુસ્તક ગમ્યું, કારણ એમાં દરેક પ્રસંગમાંથી સતત હાસ્ય પેદા થાય છે. એ વાંચીને મારું મન હળવું ફૂલ થઈ જાય છે.
Leave a Comment