Ekam-16 || Sansad Ane kayado

સા. વિ || ધો 8 એકમ-16 || સંસદ અને કાયદો 
S.S || STD 8 || Ekam-16 || Sansad Ane kayado

સા. વિ || ધો 8 એકમ-16 || સંસદ અને કાયદો  S.S || STD 8 || Ekam-16 || Sansad Ane kayado



[Q - 1]. ખાલી જગ્યા પૂરો.

(1) આપણા દેશની સંસદમાં ............ ગૃહ છે.

A. બે

(2) આપણા દેશનો સમગ્ર વહીવટ ............ ના નામે ચાલે છે.

A. રાષ્ટ્રપતિ

(3) આપણા દેશની લોકસભામાં કુલ ............ સભ્યો છે.

A. 545

(4) ભારતની સંસદના ઉપલા ગૃહને ............ કહેવાય છે.

A. રાજ્યસભા

(5) આપણા દેશના બંધારણીય વડા ............ છે.

A. રાષ્ટ્રપતિ


[Q - 2]. એક - બે વાક્યમાં ઉત્તર આપો.

(1) આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે?

A. આપણા દેશની સંસદ દિલ્લીમાં આવેલી છે.

(2) સંસદસભ્ય બનવા માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?

A. સંસદસભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે.

(3) રાજ્યસભાના સભ્યની મુદત જણાવો.

A. રાજ્યસભાના સભ્યની મુદ્દત 6 વર્ષની હોય છે.


[Q - 3]. ટૂંક નોંધ લખો.

(1) પ્રધાનમંત્રીનાં કાર્યો

A. – પ્રધાનમંત્રી જુદા - જુદાં ખાતાઓની ફાળવણી, તેની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે તેમજ નીતિવિષયક નિર્ણયો લે છે.

– મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે.

– કોઈ પણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે.

– મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે.

– દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે. આ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે.


(2) સંસદ

A. આપણા દેશનું સંસદભવન દિલ્લીમાં આવેલું છે. ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે. જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવાય છે. આ બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે સંસદસભ્ય અથવા એમ. પી. તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. જ્યારે રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે. દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી. આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે.

જેમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો રહે છે. આવી વિવિધતા વચ્ચે દેશનું સંકલન અને વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના બંધારણમાં સંસદને સૌથી મોટી લોકશાહી સંસ્થા કહેવામાં આવે છે. સંસદ વર્તમાન કાયદા સુધાર કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય કરે છે.

સંસદ અંદાજપત્રના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે. સંસદમાં સરકારની નીતિઓની થતી ચર્ચા પરથી સરકાર પોતાની ભૂલો તથા ખામીઓ પ્રત્યે સભાન રહે છે અને સમગ્ર રાષ્ટ્ર સરકારી નીતિઓથી માહિતગાર રહી શકે છે.


(3) કાયદો અને તેનું મહત્ત્વ

A. – ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિઓ બ્રિટનની સંસદના મોડેલ આધારે વિકસેલી છે.

– સંસદમાં કાયદા ઘડવામાં અને જરૂર જણાય ત્યાં સુધારા કરવામાં આવે છે.

– સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી કાયદા ઘડવામાં આવે છે.

– કાયદાઓનો યોગ્ય અમલ થાય તે માટે કારોબારી કાર્યરત હોય છે.

– આપણા દેશના કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે.

– જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈને અન્યાય થાય ત્યારે દેશનો નાગરિક ન્યાયતંત્ર પાસે જાય છે.

– કાયદાનું અર્થઘટન કરી ન્યાયતંત્ર યોગ્ય ન્યાય આપે છે. બંધારણ મુજબ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે.

– આપણા દેશનો કાયદો ' સૌ સમાન સૌને સન્માન ' ની નીતિને આધારે કાર્ય કરે છે.

– દેશમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે લોકવ્યવસ્થા તેમજ સુચારું તંત્ર માટે કાયદો જરૂરી છે.

– કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણનાં મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે.

– ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે, તો ભારતીય ન્યાયપાલિકા તે કાયદાને રદ કરે છે


[Q - 4]. વિચારો અને લખો.

(1) તમારા વિસ્તારના કયા - કયા પ્રશ્નો અંગે તમે જાણો છો?

A. મારા વિસ્તારના નીચેના પ્રશ્નો અંગે હું જાણું છું.

(1) મારા વિસ્તારમાં પીવાના અને ખેતી માટે સિંચાઈના પાણીની ખૂબ સમસ્યા છે.

(2) રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે.

(૩) વરસાદના પાણીના નિકાલ માટે કોઈ ગટરની વ્યવસ્થા નથી. પાણીનો ભરાવો થતાં ગંદકીનો ખૂબ જ પ્રશ્ન ઊભો થાય છે.

(4) બાળકોને રમવા માટે કોઈ સારો બગીચો નથી.

(5) ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મારા વિસ્તારમાં દારૂ વેચાય છે.

(6) મારા વિસ્તારમાં રખડતાં ઢોરોનો પણ ખૂબ જ ત્રાસ છે.


(2) જો તમે પ્રધાનમંત્રી બનો તો દેશને ગૌરવ અપાવવા કેવાં કાર્યો કરશો?

A. જો હું પ્રધાનમંત્રી બનું તો દેશને ગૌરવ અપાવવા નીચે મુજબના કાર્યો કરીશ.

(1) શિક્ષણ અને સ્વાથ્યની સેવા બિલકુલ મફત કરી દઈશ.

(2) તમામ સગવડતા ધરાવતી શાળાઓ અને હોસ્પિટલોની સ્થાપના કરીશ.

(૩) બાળકોને રમવા માટે બગીચાની સ્થાપના કરીશ.

(4) એક ગામથી બીજા ગામને જોડતા તમામ રસ્તાઓ પાકા બનાવીશ.

(5) વિધવા અને વૃદ્ધો માટે નવી નવી યોજનાઓ અમલમાં લાવી તેમને મદદરૂપ બનીશ.

(6) ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે અને તેમના પાકોને સારા ભાવ મળે તેની ખાસ વ્યવસ્થા કરીશ.

(7) નાગરિકો માટે હેલ્પલાઈન નંબર શરૂ કરીશ. જેથી કોઈપણ વ્યક્તિ પોતાની મુશ્કેલી અંગે જાણ કરી શકે.

(8) જે - તે કચેરીમાં ખૂટતાં કર્મચારીઓની તાત્કાલિક ધોરણે ભરતી કરીશ. જેથી લોકોને મુશ્કેલી અનુભવવી ના પડે.

(9) દેશમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો કરીશ.

(10) ગરીબી અને બેરોજગારી દૂર થાય તે માટે સખત પ્રયત્નો કરીશ.




No comments

Powered by Blogger.