Ekam-13 || Manav- Sansadhan nu Svadhayaay solution
સા. વિ ધો 8 એકમ- 13 માનવ-સંસાધન
S.S STD 8 Ekam-13 || Manav- Sansadhan nu Svadhayaay solution
[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે?
A. માનવ-સંસાધન વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે. પ્રકૃતિની ભેટ ફક્ત એ સમયે જ મહત્ત્વની હોય છે જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય છે. લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે. આ પ્રકારે માનવ સંસાધન જ અંતિમ સાધન છે. સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. અન્ય સાધનોની જેમ માનવ-સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલ નથી. પોતાના શૈક્ષણિક સ્તર, ઉંમર અને લિંગમાં તે એકબીજાથી અલગ હોય છે, એની સંખ્યા અને લક્ષણ પણ બદલાતાં રહે છે માટે વસ્તીને એક સંસાધન તરીકે સમજવામાં આવે છે.
(2) વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણનાં કારણો કયાં છે?
A. વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણનાં કારણો નીચે મુજબ છે.
– વિશ્વમાં નદીકિનારાના અને મુખત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ, સપાટ જમીન વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે.
– ઊંચા પર્વતો, ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ, બહુ ભારે વરસાદના પ્રદેશો, ગીચ જંગલો, દલદલવાળા પ્રદેશો, ખારાપાટેના વિસ્તારો તેમજ રણપ્રદેશો-જ્યાં ખેત-ઉત્પાદન માટે પ્રતિકુળ પરિસ્થિતિ છે, ત્યાં વસ્તીની ગીચતા ઓછી હોય છે.
(3) વસ્તી-ગીચતાનો અર્થ શું છે?
A. પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે.
– જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે.
– વસ્તી-ગીચતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે :
વસ્તીગીચતા = દેશની કુલ વસ્તી÷ દેશનું કુલ ક્ષેત્રફળ
– ભારતની સરેરાશ વસ્તી – ગીચતા 2011 ના વર્ષ પ્રમાણે 382 છે જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી-ગીચતા 54 (2011) વ્યક્તિની છે. સૌથી વધારે વસ્તી-ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે.
(4) વસ્તી-વિતરણને અસર કરનાર કોઈ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો.
A. 1. ભૌગોલિક પરિબળો:-
– પ્રાકૃતિક રચના : માનવી હંમેશાં પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે. કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગ અને સેવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય છે. ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે જ્યારે એન્ડીઝ, આલ્સ અને હિમાલય પર્વત વિસ્તારમાં નહિવત્ વસ્તી વસવાટ કરે છે.
– આબોહવા (Climate): વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારો જેમકે સહરાનું રણ, રશિયાનો ધ્રુવપ્રદેશ, કૅનેડા અને ઍન્ટાર્કટિકમાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી.
– જમીન (Soil): ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે. ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર, ચીનમાં હવાંગ-હો અને ચાંગ જિયાંગ તથા ઇજિપ્તમાં નાઈલ નદીના ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે.
– જળ (Water): વસ્તી આવા ક્ષેત્રમાં વસવાટ કરવા પ્રાથમિકતા આપે છે. જ્યાં બિનક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ હોય છે. વિશ્વની નદી ખીણો ગીચ વસવાટક્ષેત્ર ધરાવે છે. જ્યારે રણવિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવે છે.
– ખનિજ (Mineral): ખનિજ સંસાધનવાળા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો અને મધ્યપૂર્વ એશિયામાં ખનિજતેલનાં ક્ષેત્રો લોકોને વસવાટ માટે પ્રેરિત કરે છે.
2. સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો :-
– સામાજિક પરિબળ : સારાં રહેઠાણ, શિક્ષણ અને સ્વાથ્યની સગવડોના વિસ્તારો વધુ ગીચતાવાળા છે. દા.ત., પૂણે.
– સાંસ્કૃતિક પરિબળ : પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે. વારાણસી, જેરુસલેમ અને વેટિકન સિટી એનાં ઉદાહરણો છે.
– આર્થિક પરિબળો : ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે. વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે. જાપાનમાં ઓસાકા અને ભારતમાં મુંબઈ બંને ગીચ વસવાટનાં ક્ષેત્રો છે.
[Q - 2]. સાચા ઉત્તર સામે ખરા (✓) ની નિશાની કરો.
(1) વસ્તી-વિતરણ શબ્દનો અર્થ છે.
(A) કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં સમયની સાથે વસ્તીમાં કયા પ્રકારનું પરિવર્તન થાય છે.
(B) કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જન્મ લેનાર લોકોની સંખ્યાના સંદર્ભમાં મૃત્યુ પ્રાપ્ત કરનારા લોકોની સંખ્યા કેવી છે.
(C) કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે.
A. (C) કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે.
(2) એ ત્રણ મુખ્ય પરિબળો કયાં છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે?
(A) જન્મ, મૃત્યુ અને લગ્ન
(B) જન્મ, મૃત્યુ અને સ્થળાંતર
(C) જન્મ, મૃત્યુ અને જીવન-દર
A. (B) જન્મ, મૃત્યુ અને સ્થળાંતર
(3) ઈ.સ. 1999 માં વિશ્વની વસ્તી કેટલી હતી?
(A) એક અબજ (B) 3 અબજ (C) 6 અબજ
A. (C) 6 અબજ
[Q - 3]. સંકલ્પના સમજાવો.
(1) જાતિ – પ્રમાણ
A. પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસતીને સ્ત્રી-પુરુષનું પ્રમાણ કહે છે આપણા દેશમાં પુરુષોનું પ્રમાણ વધારે છે. વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ દર 1000 પુરુષે 972 સ્ત્રીઓનું પ્રમાણ (1901) હતું. પછીના દસકાઓમાં તે દર ઘટતો ગયો. છેલ્લા દસકામાં તેમાં થોડો સુધારો થયો. ઈ.સ. 2011 માં વધીને 943 થઈ ગયો. કેરલ રાજ્યમાં 1084 અને પુડુચેરીમાં 1037 સ્ત્રી-પુરુષનું પ્રમાણ છે.
(2) સાક્ષરતા
A. 7 વર્ષ કે તેનાથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી-લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષરજ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. ભારતમાં સાક્ષરતાનો દર 5 % (1901) થી વધીને 74.04 % (2011) થઈ ગયું છે. આપણા દેશનાં લગભગ 82.1 % પુરુષ તથા 65.4 % મહિલાઓ આજે સાક્ષર છે. બીજા શબ્દોમાં આપણા દેશનાં આશરે કે પુરુષ અને અડધાથી વધુ મહિલાઓ સાક્ષર છે. કેરલમાં સાક્ષરતા 94 % છે જે બધાં રાજ્યોથી વધુ છે અને તેના પછી 92.3 % સાથે લક્ષદ્વીપ બીજા સ્થાને છે તથા 91.6 % સાક્ષરતા સાથે મિઝોરમ ત્રીજા સ્થાને છે. આપણા દેશમાં બિહાર 63.8 % રાજ્યનો સાક્ષરતાદર સૌથી ઓછો છે.
(3) વસ્તી-ગીચતા
A. પૃથ્વીનીસપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે.
– વસ્તી-ગીચતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે :
વસ્તી-ગીચતા = દેશની કુલ વસ્તી ÷ દેશનું કુલ ક્ષેત્રફળ
– ભારતની સરેરાશ વસ્તી-ગીચતા 2011 ના વર્ષ પ્રમાણે 382 છે જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી-ગીચતા 54 (2011) વ્યક્તિની છે. સૌથી વધારે વસ્તી-ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે.
[Q - 4]. ખાલી જગ્યા પૂરો.
(1) વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ ભારત ............ ક્રમે છે.
A. બીજા
(2) ભારતમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ ............ છે
A. દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ
(3) ભારતમાં ............ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે.
A. કેરલ
(4) ગુજરાતમાં વસ્તી-ગીચતાનું પ્રમાણે ............ છે.
A. 308
Leave a Comment