Ekam-11 || Khetinu Svadhayaay solution

સા. વિ || ધો 8 એકમ-11 || ખેતી 
 
 S.S || STD 8 || Ekam-11 || Khetinu Svadhayaay solution

સા. વિ || ધો 8 એકમ-11 || ખેતી     S.S || STD 8 || Ekam-11 || Khetinu Svadhayaay solution   [Q - 1]. નીચેના પ્રશ્નોના


[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

(1) કૃષિને અસર કરતાં પરિબળો જણાવો.

A. કૃષિને અસર કરતાં પરિબળો નીચે મુજબ છે. 

(1) અનુકૂળ જમીન

(2) પાણી 

(૩) આબોહવા

(2) સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે ?

A. સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે નીચે મુજબની વિવિધ સુવિધાઓ પૂરી પડે છે.

– કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિધિરાણ આપવામાં આવે છે. 

– ખેતપેદાશો સંઘરવા જુદા - જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરવામાં આવી છે. 

– સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, કિસાન કોલ સેન્ટર, સરકારનાં i - khedut ખેડૂત વેબપોર્ટલ દ્રારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે.

– ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે.

આમ ખેડૂતોને સરકાર દ્વારા ઘણી રીતે મદદ કરવામાં આવે છે.

(3) ગુજરાતમાં મુખ્ય કયા - કયા પાક થાય છે ?

A. ગુજરાતમાં ડાંગર, ઘઉં, બાજરી,શેરડી, મગફળી, દિવેલા,મકાઈ અને કપાસ જેવા મુખ્ય પાકો થાય છે.

(4) કૃષિના પ્રકારો કયા - કયા છે ?

A. કૃષિના પ્રકારો નીચે મુજબ છે. 

(1) જીવનનિર્વાહ ખેતી ખેતી (2) ઝૂમ ખેતી (3) સઘન ખેતી (4) સૂકી ખેતી 

(5) આદ્ર ખેતી અથવા ભીની ખેતી (6) બાગાયતી ખેતી

(5) વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ - કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે ?

A. વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરંજ, મહૂડો, તુલસી, રતનજ્યોત, ફૂદીનો, કારેલાં તમાકુ, સેવંતી વગેરે વનસ્પતિનો ઉપયોગ થાય છે.

(6) તફાવત આપો : બાગાયતી ખેતી અને સઘન ખેતી

A.

 • બાગાયતી ખેતી:

– બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. 

– આ ખેતીમાં મોટાભાગે ફળોનું વાવેતર કરવામાં આવે છે. 

– આ પ્રકારની ખેતી ખૂબ જ માવજત સાથે કરાય છે.

• સઘન ખેતી:

– સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેક્નોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે તેવી ખેતીને સઘન ખેતી કહે છે. 

– આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. 

– ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.

(7) જૈવિક કીટનાશકોમાં શેનો - શેનો ઉપયોગ થાય છે ?

A. જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ (બેક્ટરિયા), વિષાણુ, ફૂગ, કૃમિ વગેરેનો સમાવેશ થાય છે.

(8) ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારના કપાસનાં ઉત્પાદન માટે જાણીતો છે ?

A. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના કપાસનાં ઉત્પાદન માટે જાણીતો છે.


[Q - 2]. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

(1) નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે ?

(A) બાગાયતી ખેતી

(B) [✓] ઝૂમ ખેતી

(C) સઘન ખેતી

(D) આદ્ર ખેતી


(2) વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી ?

(A) લીમડો

(B) કારેલાં

(C) તમાકુ

(D) [✓] બિલાડીના ટોપ


(3) દિવેલા (એરંડા) નાં ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે. ?

(A) બ્રાઝિલ

(B) [✓] ભારત

(C) ચીન

(D) શ્રીલંકા


(4) 'ઘઉંનો કોઠાર' કયા રાજયને કહેવામાં આવે છે ?

(A) [✓] પંજાબ

(B) ગુજરાત

(C) હરિયાણા

(D) ઉત્તરપ્રદેશ


[Q - 3]. કારણો આપો.

(1) રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુપડતો વપરાશ નુકસાનકારક છે.

A. ભારતમાં ખેતીમાં પાકોને થતું નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણો મહત્ત્વનો ભાગ ભજવે છે. ખેતીમાં વધુ પડતાં રાસાયણિક જંતુનાશકોના અવિવેકી અને આડેધડ ઉપયોગનાં કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. જમીનમાં વધુ પડતાં રાસાયણિક ખાતરોના ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોમાં રહેલ ઝેરી તત્ત્વો મનુષ્યનાં આરોગ્ય પર પણ તે લાંબે ગાળે ખરાબ અસરો કરે છે. એટલા માટે કહી શકાય કે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે.

(2) જુદા - જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે.

A. કોઈપણ પાકનું વાવેતર કરવા માટે ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદમાં રહેલી ભિન્નતા જેવા પરિબળો મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે. આ બધા પરિબળો બધી જ જગ્યાએ એક સમાન હોતા નથી. 

અલગ - અલગ પાકોને પાણીની જરૂરીયાત પણ અલગ - અલગ હોય છે. જે - તે વિસ્તારમાં પાકને અનુકૂળ જે પરિબળો યોગ્ય હોય તે મુજબ પાકનું વાવેતર કરવામાં આવે છે. માટે કહી શકાય કે જુદાં જુદાં પ્રર્દેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે.

(3) જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે.

A. જૈવિક કીટનાશકો બજારમાં વ્યાપારી ધોરણે મળે છે. જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા - જુદા રોગ લાગુ પાડે છે અને પરિણામે તે નાશ પામે છે. જીવાણું આધારિત જૈવિક કીટનાશક એ એક જાતનું જઠરવિષ છે. તેથી તે જે કીટકોને મારવાનું છે તે કીટકના જઠરમાં જવું જરૂરી છે.પાક પર જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્તાવસ્થામાં રહેલાં જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઈયળ મૃત્યુ પામે છે. આ માટે જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે.

(4) ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે.

A. ટપક પિયત પદ્ધતિમાં પોષકદ્રવ્યો ધીમે - ધીમે છોડનાં મૂળ સુધી પહોંચે છે. તેથી પાણી અને પોષકદ્રવ્યો એકસરખા પ્રમાણમાં છોડનાં મૂળમાં જાય છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40 ટકાથી 60 % સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25 ટકાથી 30 % બચત થાય છે. ક્યારા, પાળા, ખામણા, ધોરિયા, જમીન પોચી રાખવા ગોડ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નિંદણ ઓછું થાય છે તેથી નિંદામણનાશક દવાઓ તેમજ મજૂરીખર્ચમાં પણ ઘટાડો થાય છે. વીજળીની આશરે 30 ટકાથી 35 % બચત થાય છે. ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. માટે કહી શકાય કે ખેતીમાં ટપક પિયત પધ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે.

[Q - 4]. સંકલ્પના સમજાવી.

(1) ખેતી

A. ખેતી જેમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવાં અને પશુપાલનનો સમાવેશ થાય છે.ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે.વિશ્વના આશરે 50 % લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે.દેશની 65 % વસ્તી ખેતી પર નિર્ભર છે.ભારતની અર્થવ્યવસ્થા ખેતી પર આધારિત છે.ખેતી માટે અનુકૂળ જમીન, આબોહવા અને પાણી આવશ્યક છે.

(2) બાગાયતી ખેતી

A. બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે.એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે એવા પાકો બાગાયતી પાકો કહે છે. આ ખેતીમાં વિવિધ ફળોની ખેતી કરવામાં આવે છે.

(3) સૂકી ખેતી

A. જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે. તેને ' સૂકી ખેતી ' કહે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવાં પાણીની ઓછ જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે.

(4) આદ્ર ખેતી

A. જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારમાં આદ્ર ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે.


[Q - 5]. ખાલી જગ્યા પૂરો.

(1) ગુજરાત કપાસનાં ઉત્પાદનમાં ભારતમાં ........... સ્થાન ધરાવે છે.

A. પ્રથમ

(2) સઘન ખેતીને ............ ખેતી પણ કહે છે.

A. વ્યાપારી

(3) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ............ જિલ્લામાં થાય છે.

A. જુનાગઢ

(4) વિશ્વના આશરે ........ % લોકો ખેતી - પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.

A. 50

(5) કપાસની કાળી જમીન ............ ના નામે પણ ઓળખાય છે.

A. રેગુર


[Q - 6]. ટૂંક નોંધ લખો.

(1) સઘન ખેતી

A. આ આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેક્નોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. 

આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. - આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે તેથી તેને ' વ્યાપારી ' ખેતી પણ કહે છે. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી થાય છે.

(2) ખેતીનો વિકાસ

A. વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ ખેતીનો વિકાસ થયો છે. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો મોટા ભાગે સઘન ખેતી કરે છે. - ખેતીવિકાસ વધતી વસ્તીની વધુ માંગને પહોંચી વળવા ખેતી - ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નોથી સંબંધિત છે. 

આ ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે. જેમ કે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેતર પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સુવિધામાં સુધારો કરીને, ખાતરોનો ઉપયોગ કરીને અને ઉચ્ચ ઉપજ આપતા બીજના પ્રયોગ દ્વારા ખેતીનું યાંત્રિકીકરણ પણ ખેતીના વિકાસનું એક અન્ય પાસું છે. ખેતીવિકાસનું અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું છે.

(3) ડાંગર

A. ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્ત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટા ભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. 

ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. ડાંગરનાં ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે. તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય. 

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણા, બિહાર, ઓડિશા તેનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લામાં થાય છે.

(4) કાળી જમીન

A. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ - સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાડો કે તિરાડો પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે ' કપાસની કાળી જમીન ' તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર ' નામે પણ ઓળખાય છે. 

આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અળદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે

(5) ટપક સિંચાઈ પદ્ધતિ

A. – ટપક સિંચાઈ પદ્ધતિ ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે કે જેના દ્વારા પાણીની બચત થાય અને પોષકદ્રવ્યો ધીમે ધીમે છોડનાં મૂળ સુધી પહોંચે છે અને આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીથી અંદરની સપાટી સુધી અસર કરે છે.

– આનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવાનો છે.

– ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઈપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે. 

– પાણી અને પોષકતત્વોને ' ડ્રિપરલાઈન્સ ' તરીકે ઓળખાતા પાઈપોમાં આ ક્ષેત્રમાં વિતરણ કરવામાં આવે છે. 

– જેમાં ડ્રિપર તરીકે ઓળખાતા નાના એકમો હોય છે. દરેક ડ્રિપર પાણી અને ખાતરો ધરાવતાં ટીપાંને બહાર કાઢે છે. પરિણામે પાણી અને પોષકદ્રવ્યો એકસરખા પ્રમાણમાં છોડનાં મૂળમાં જાય છે.

– ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40 ટકાથી 60 % સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25 ટકાથી 30 % બચત થાય છે.

– ક્યારા, પાળા, ખામણા, ધોરિયા, જમીન પોચી રાખવા ગોડ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે. 

– ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નિંદણ ઓછું થાય છે તેથી નિંદામણનાશક દવાઓ તેમજ મજૂરીખર્ચમાં પણ ઘટાડો થાય છે. 

– વીજળીની આશરે 30 ટકા થી 35% બચત થાય છે. 

– ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે.

– કપાસ, એરંડા, શેરડી, ટામેટા, રીંગણ, કોબીજ, ચીકુ, લીંબુ, પપૈયા વગેરે પિયત પદ્ધતિને અનુકૂળ પાકો છે.



No comments

Powered by Blogger.