Ekam-10 Khanij Ane Urja-Sansadhan nu Svadhayaay solution

 સા. વિ || ધો 8 એકમ-10 || ખનિજ અને ઊર્જા-સંસાધન 
 
 S.S || STD 8 Ekam-10 || Khanij Ane Urja-Sansadhan nu Svadhayaay solution

Ekam-10 || Khanij Ane Urja-Sansadhan nu Svadhayaay solution



[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક - બે વાક્યમાં લખો.

(1) તમારા દૈનિક ઉપયોગમાં આવતાં ત્રણ ખનિજોનાં નામ લખો.

A. ખનીજ તેલ, કુદરતી વાયુ, લોખંડ અને કોલસો વગેરે

(2) ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે ?

A. ધાત્વિક (ધાતુમય) ખનિજોના અયસ્ક સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે.

(3) ભારતમાં ભૂતાપીય ઊર્જાના પ્લાન્ટ ક્યાં આવેલાં છે ?

A. હિમાચલપ્રદેશના મણિકરણ અને લદાખમાં પૂગાઘાટી ખાતે ભારતના ભૂતાપીય ઊર્જાના પ્લાન્ટ આવેલાં છે.

(4) પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા - કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે ?

A. પેટ્રોલિયમ માંથી પ્રક્રિયા કરી પેટ્રોલીયમ વાયુ,ડીઝલ, પેટ્રોલ,નેપ્થા, કેરોસીન, મીણ, બળતણ તેલ,પ્લાસ્ટિક અને ઊંજણતેલ (લુબ્રિકન્ટ) જેવાં વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે.

(5) ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં - ક્યાં આવેલાં છે ?

A. ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઈ, ટુવા-ટીંબા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે.


[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

(1) ખનિજ તેલને ‘કાળું સોનું' કેમ કહેવામાં આવે છે ?

A. ખનીજતેલ અર્ધપ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા પદાર્થો ભળેલા હોય છે. ત્યાર પછી શુદ્ધ કરવા તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. જ્યાં કાચા ખનિજ તેલ (ફૂડઓઇલ) માંથી પ્રક્રિયા કરી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક અને ઊંજણતેલ (લુબ્રિકન્ટ) જેવાં વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે, તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો કોઈ પણ ભાગ બિનઉપયોગી હોતો નથી અને તેના બહોળા વ્યાપારિક મહત્ત્વના લીધે તેને ‘કાળુ સોનું' કહેવામાં આવે છે.

(2) જેનાથી આપણે ઊર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો.

A. – ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત જેવા કે સૌરઊર્જા, પવન ઊર્જા,ભરતી ઊર્જા, ભૂ-તાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત સોતોનો ઉપયોગ વધારો જરૂરી છે.

– ધાતુઓનું રિસાઇક્લિંગ કરી લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ.

– ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ.

– વિદ્યુતનાં સ્થાને સૌર - વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે સી.એન.જી.નો વપરાશ વધારવો જોઈએ.

– જળ, સૌર, પવન, બાયોગેસ જેવાં બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ.

– પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણમુક્ત પર્યાવરણના ઉપર મુજબના ઉપાયો કરવા જોઈએ.

(3) ગુજરાતમાં કોલસો ક્યાં - ક્યાં મળી આવે છે ?

A. – ગુજરાતમાં ખનિજ કોલસાનાં ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે.

– અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે.

– કચ્છમાં પાનધ્રો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપરમાં લિગ્નાઇટ કોલસાનો અનુમાનિત જથ્થો છે.

(4) ભવિષ્યમાં બિનપરંપરાગત ઊર્જાસ્રોતોનો ઉપયોગ વધારવો પડશે. - વિધાન સમજાવો.

A. કારણ કે એવું અનુમાન કરવામાં આવે છે કે, જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો આ ઇંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે એટલા માટે સૌરઊર્જા, પવન - ઊર્જા ભરતી - ઊર્જા જેવા બિનપરંપરાગત સોતોનો ઉપયોગ વધારવો પડશે. વિશ્વના ઘણા દેશોએ આ દિશામાં પગલાં લીધાં છે.

(5) ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ શાથી કહી શકાય ?

A. કારણ કે અશ્મિભૂત બળતણો ખૂબ જ કીમતી છે.લાખો વર્ષોની પ્રકિયા પછી પ્રાપ્ત થાય છે તેનો વધુ પડતા ઉપયોગથી વિવિધ પ્રદુષણ થાય છે વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું આપણી ફરજ છે. તેનો વધુ પડતો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી નોતરે તે પહેલાં આપણે સજાગ બની તેના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ અને તેના વૈકલ્પિક ઉપાયો શોધવા જોઈએ.


[Q - 3]. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

(1) નીચેના માંથી કયું ખનિજનું લક્ષણ નથી ?

(A) તેઓ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા બનેલા હોય છે.

(B) તેમનું એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે.

(C) [✓] તેઓ અપ્રાપ્ય હોય છે.

(D) તેમનું વિતરણ અસમાન હોય છે. 


(2) અ – 

(a) સૌર શીતાગાર 

(b) વિન્ડફાર્મ 

(c) સોલાર પાર્ક 

(d) ગરમ પાણીના ઝરા 

(e) બાયોગેસ પ્લાન્ટ


બ –

 (1) તુલસીશ્યામ 

(2) ચારણકા 

(3) રુદાતલ 

(4) છાણી 

(5) માંડવી


A. (a – 4) (b – 5) (c – 2) 

     (d – 1) (e – 3)


(3) વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા-પ્લાન્ટ કયા દેશમાં છે ?

(A) [✓] યુ.એસ.એ.

(B) ન્યૂઝીલેન્ડ

(C) આઇસલૅન્ડ

(D) ફિલિપાઇન્સ



[Q - 4]. ખાલી જગ્યા પૂરો.

(1) ધાતુગાળણ ઉદ્યોગમાં ............ ખનીજનો ઉપયોગ થાય છે.

A. ફર્લોરસ્પાર

(2) દેશમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય ............ છે.

A. ગુજરાત

(3) ગુજરાતમાં ............ અને ............ કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે.

A. અંકલેશ્વર, ગાંધાર

(4) ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચઢાવવા માટે ............ ખનિજનો ઉપયોગ થાય છે.

A. જસત

(5) કચ્છ જિલ્લાના ............ માંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે.

A. પાનધ્રો


[Q - 5]. સંકલ્પના સમજાવો.

(1) ખનિજ

A. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે.

(2) ભૂતાપીય ઊર્જા

A. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈ જે ઊર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઊર્જા કહે છે.

(3) ભરતીઊર્જા

A. ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાને ભરતીઊર્જા કહેવામાં આવે છે.

(4) બાયોગેસ

A. બાયોગેસ એ જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ ખાતર અવશેષ, પશુઓનાં છાણ, રસોડામાંથી નીકળતાં એંઠવાડ - કચરાને વાયુયુક્ત (ગૅસટાંકી બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થોનાં સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે.

બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) છે અને તેનાથી મોટા પ્રમાણમાં નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. આમ, ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે.


[Q - 6]. તફાવત આપો.

(3) ધાત્વિક ખનિજ – અધાત્વિક ખનિજ

A. 

→ ધાત્વિક ખનિજ

ધાતુમય (ધાત્વિક) ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે. ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતનાં વાહક હોય છે અને જેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે. ધાતુમય ખનિજ આગ્નેય અને રૂપાંતરિત ખડકસમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. આ ખનિજોથી પ્રાપ્ત ધાતુઓને ટીપીને કે ગાળીને વિભિન્ન કારોમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે તૂટતા નથી. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે. જેમકે સોનું, જસત, ચાંદી, તાંબું, ઍલ્યુમિનિયમ, લોખંડ વગેરે મુખ્ય છે.

→ અધાત્વિક ખનિજ

આ ખનિજોમાં ધાતુઓ નથી હોતી. કેટલાંક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે. ચૂનાનો પથ્થર, અબરખ અને જિસમ આ ખનિજોનું ઉદાહરણ છે. ઊર્જા - સંસાધન જેમકે, કોલસો અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે. મેદાનો અને ગેડ પર્વતોના કાંપના નિક્ષેપકૃત) ખડક સમૂહોનાં ક્ષેત્રોમાંથી અધાતુમય ખનિજો મળી આવે છે. ખનિજ બળતણ જેમકે કોલસો અને પેટ્રોલિયમ પણ કાંપના સ્તરમાંથી મળી આવે છે.


(1) પરંપરાગત ઊર્જાના સ્ત્રોત – બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત

A. 

→ પરંપરાગત ઊર્જાના સ્ત્રોત

(1) જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઊર્જાના પરંપરાગત સ્રોત કહેવાય છે.

(2) લાકડું અને અશ્મિભૂત ઇંધણ (બળતણ) પરંપરાગત ઊર્જાના મુખ્ય બે સ્રોત છે.

(3) કોલસો,ખનીજતેલ અને કુદરતી વાયુ તેના અન્ય ઉ.દા છે.

(4) પરંપરાગત ઊર્જાના સ્ત્રોત નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવા છે.

(5) પરંપરાગત ઊર્જાના સ્ત્રોતનો વધુ પડતો ઉપયોગ પ્રદુષણ ફેલાવે છે.

→ બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત

(1) સૌરઊર્જા, પવન – ઊર્જા,ભરતી – ઊર્જા,ભૂ-તાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે.

(2) બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત અખૂટ છે.

(3) બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પ્રદુષણ ફેલાતું નથી.


(2) બાયોગૅસ – કુદરતી ગૅસ

A.

 → બાયોગૅસ

જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ,ખાતર,અવશેષ, પશુઓનાં છાણ, રસોડામાંથી નીકળતાં એંઠવાડ - કચરાને વાયુયુક્ત (ગૅસટાંકી બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થોનાં સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે. બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) છે અને તેનાથી મોટા પ્રમાણમાં નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. આમ, ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. ઉત્તરપ્રદેશ અને ગુજરાત બાયોગૅસનાં ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રુદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે.

→ કુદરતી ગૅસ

કુદરતી વાયુ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવે છે અને જ્યારે કાચા ખનિજ તેલ (ક્રૂડ ઓઇલ) ને બહાર લાવવામાં આવે છે ત્યારે તેની સાથે મુક્ત થાય છે. તેનો ઉપયોગ ઘરેલું અને ઉદ્યોગોમાં ઇંધણ તરીકે થાય છે. રશિયા, નોર્વે, યુ.કે. અને નેધરલેન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતમાં જેસલમેર, ખંભાતબેસીન, કૃણા - ગોદાવરી મુખત્રિકોણ, ત્રિપુરા અને બૉમ્બે હાઇ કુદરતી વાયુ ઉત્પાદક - ક્ષેત્રો છે. ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ તથા કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે. વિશ્વના બહુ ઓછા દેશોમાં કુદરતી વાયુનો પૂરતો જથ્થો છે. અશ્મિભૂત ઇંધણના વપરાશમાં ઝડપી વધારાને લીધે ચિંતાજનક રીતે સમાપ્ત થઈ રહ્યા છે. આ ઇંધણોનાં સળગવાથી નીકળેલા ઝેરી પ્રદૂષકો પણ ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિમાં બિનપરંપરાગત ઊર્જાસ્રોતનો બહોળો ઉપયોગ કરી પરંપરાગત સોત પરનું ભારણ ઘટાડી શકાય.


[Q - 7]. ટૂંક નોંધ લખો.

(1) ખનિજ સંપત્તિનું મહત્ત્વ

A. – મેંગેનીઝ રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ તથા છાપકામના ઉદ્યોગોમાં વપરાય છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે.

– તાંબાનો ઉપયોગ વીજળીના તાર, સ્ફોટક પદાર્થ, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં થાય છે. તાંબામાં લાઈ ઉમેરવાથી કાંસું બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે. ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન (T.V.), રેફ્રિજરેટર અને એરકંડિશનર વગેરે બનાવવામાં વપરાય છે

– બૉક્સાઇટમાંથી ઍલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બૉક્સાઇટનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો, રંગો હવાઈજહાજોનાં બાંધકામમાં, કેરોસીન શુદ્ધીકરણ અને સિમેન્ટની બનાવટમાં વપરાય છે.

– અબરખ અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે. રેડિયો, ટેલિફોન, વિમાન, ડાઈનેમો, મોટરગાડી, વિદ્યુતમોટર વગેરેની બનાવટમાં વપરાય છે.

– ફર્લોરસ્પાર ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોક્લોરિક ઍસિડમાં, ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં વપરાય છે.

– ચૂનાનો પથ્થર સિમેન્ટ, લોખંડ, પોલાદ, સોડાએશ, સાબુ, કાગળ, રંગ, ખાંડ - શુદ્ધીકરણ જેવા ઉદ્યોગોમાં વપરાય છે.

– સીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને ઝીંક ઑક્સાઇડની બનાવટમાં થાય છે.

– જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોળ ચઢાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે.

– લોખંડ (લોહ – અમરક) નો ઉપયોગ ટાંકણીથી માંડી મોટાં યંત્રો, મોટર - ગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં થાય છે.

– કોલસો તાપવિદ્યુતનાં ઉત્પાદનમાં બળતણ તરીકે વપરાય છે.

– કમ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન ક્વાર્ઝમાંથી લેવામાં આવે છે.


(2) ખનિજ સંરક્ષણના ઉપાયો

A. – કોલસો અને પેટ્રોલિયમ બિનવીનીકરણીય સંસાધન છે. ખનિજોનાં નિર્માણ અને સંયનમાં હજારો વર્ષ લાગે છે. માનવીય વપરાશના દરની તુલનામાં બિનનવીનીકરણીય સંસાધનનાં નિર્માણનો દર ખૂબ જ ધીમો છે. ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે.

– ધાતુઓનું રિસાઇક્લિંગ : લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ.

– ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતનાં સ્થાને સૌર - વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે સી.એન.જી.નો વપરાશ વધારવો જોઈએ.

– જળ, સૌર, પવન, બાયોગેસ જેવાં બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ.

પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણમુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ.

– ઊર્જા - સંસાધનો ખૂબ જ કીમતી છે. વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું આપણી ફરજ છે.

– ઊર્જાનો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી નોતરે તે પહેલાં આપણે સજાગ બની ઊર્જા - સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ.


(3) સૌરઊર્જા

A. – સૂર્ય ઊર્જાનો મુખ્ય સોત છે. સૂર્યની ગરમી અને પ્રકાશઊર્જા આપણે દરરોજ અનુભવી શકીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી સૌરઊર્જાનો ઉપયોગ સૌર - કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે.

– ગરમીની વધુ માત્રાવાળા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌરઊર્જાનો ઉપયોગ કરવાની તકનીક ખૂબ ફાયદાકારક છે. સૌરઊર્જાનો ઉપયોગ સૌર વૉટર - હીટર, સૉલર - કૂકર, સૉલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં પણ થાય છે.

– સૌરઊર્જા અખૂટ અને પ્રદૂષણમુક્ત છે.

– મધ્યપ્રદેશના રેવામાં ‘ સૌરઊર્જા પરિયોજના ’ આવેલી છે, જે સૌરઊર્જાની પેનલ એશિયાની મોટી સૌરઊર્જા યોજનામાં ગણાય છે.

– ગુજરાત દેશમાં સૌરઊર્જા મેળવતું અગ્રગણ્ય રાજ્ય છે.

– સૌરછત, કેનાલ આધારિત સૌર પ્રોજેટ્સ દ્વારા સૌરઊર્જા મેળવવાના પ્રયાસો થયા છે.

– 590 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારણકા ગામ ખાતે બિનવપરાશી જમીનમાં બનાવેલ છે.

– ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) એ છાણી (વડોદરા) પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે.

– સોલર રૂફ ટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર સહાય આપે છે.

વર્તમાન સમયમાં ગામોમાં દીવાબત્તી (સ્ટ્રીટલાઇટ), ખેતરોમાં સિંચાઈ માટે સૉલર પેનલ બેસાડવામાં આવે છે.

– ગુજરાતના ભૂજ પાસેના (માંડવી નજીક મોઢવા ગામે આ પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે.)

– દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે (મીઠું પાણી બનાવવા) સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

– આજે દેશમાં સૌરઊર્જાથી ચાલતાં ઉપકરણોનો વ્યાપ વધ્યો છે.


(4) બાયોગેસ

A. – જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ ખાતર અવશેષ, પશુઓનાં છાણ, રસોડામાંથી નીકળતાં એંઠવાડ - કચરાને વાયુયુક્ત (ગૅસટાંકી બળતણમાં ફેરવી શકાય છે.

– આ પદાર્થોનાં સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે.

– મિથેન વાયુ દહનશીલ છે. બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) છે અને તેનાથી મોટા પ્રમાણમાં

– નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે.આમ, ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે.

– બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે.

– ઉત્તરપ્રદેશ અને ગુજરાત બાયોગૅસનાં ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે.

– અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રુદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે.









No comments

Powered by Blogger.