Angrej Shasan Samayni Shixan Ane SamajVyavastha Svadhayaay Solyushan
સા. વિ || ધો 8 એકમ-5 || અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા ||
Angrej Shasan Samayni Shixan Ane SamajVyavastha || Dhoran- 8 || Svadhayaay Solyushan
[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.
(1) ગોપાલકૃષ્ણ ગોખલે એ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું?
Ans. ઈ.સ. 1912 માં ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું.
(2) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો?
Ans. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈ.સ. 1849માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
(3) ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ?
Ans. ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ.
(4) દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?
Ans. દુર્ગારામ મહેતાએ ઈ.સ.1844માં સુરતમાં માનવધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી.
[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું?
Ans. તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે. કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.
(2) વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ - કઈ ભલામણો કરવામાં આવી?
Ans. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી નીચેની વિવિધ ભલામણો કરવામાં આવી હતી.
– ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિંદના શિક્ષણ માટેનો ‘મેગ્નાકાર્તા’ કહી શકાય તેવો શિક્ષણસુધારો ઈ.સ. 1854 માં વુડના ખરીતાથી થયો.
– તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા ની ભલામણ કરી.
– અલગ શિક્ષણખાતાની રચના કરવી.
– સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી.
– ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવુ.
– શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવી.
– ધંધાદારી કે વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવો.
– દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી.
– સ્ત્રી - શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી.
– તેની સાથે - સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી.
– ઈ.સ. 1854 ના વુડના ખરીતાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણખાનું શરૂ થયું.
– કોલકાતા, મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) માં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ.
(3) મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે કયા - કયા પ્રયત્નો કરવામાં આવ્યા?
A. મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે નીચેના વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા.
– મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમનાં પત્ની રમાબાઈ રાનડેએ કન્યાશાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી.
– મહારાષ્ટ્રમાં જ અગ્રિમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા - કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી.
– મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વેએ ઈ.સ. 1916 માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. આજે આ યુનિવર્સિટી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી તરીકે કાર્યરત છે.
(4) સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યાં?
A. સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે નીચે મુજબના પગલાં ભરવામાં આવ્યાં હતા.
– વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈ.સ. 1901 માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી.
– એટલું જ નહિ બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી.
– તેમનાં પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થનિ વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો.
[Q - 3]. ટૂંક નોંધ લખો.
(1) બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ
Ans. બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે.
– રાજા રામમોહનરાયએ ઈ.સ. 1828 માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી.
– તેમણે વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું.
– તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો,
– બ્રહ્મોસમાજના એવા જ અગ્રિમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈ.સ. 1849-50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા. જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહિ, કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થપાઈ.
– રાજા રામમોહનરાયે ઈ.સ. 1815 માં 'આત્મીય સભા' સ્થાપી અને ઈ.સ. 1821 માં ‘સંવાદ કૌમુદી’ નામની પત્રિકા સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી.
– તેમની સંસ્થા બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ.સ. 1829 માં વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યું.
– એ જ રીતે બ્રહ્મોસમાજના પ્રયત્નોથી જ ઈ.સ. 1839 માં 'નરબલિ પ્રથા' અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા.
– રાજા રામમોહનરાય બાદ વિખ્યાત બ્રહ્મોસમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક 'સોમપ્રકાશ' દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી.
– તેઓ માનતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્યસમાજની નિશાની નથી. તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું.
– તેમના પ્રયત્નોથી ઈ.સ. 1856 માં ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાનાં લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું.
(2) વિધવાવિવાહ
Ans.
– મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃલગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું જ મુશ્કેલ થઈ જતું.
– આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃલગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. પ્રાચીન ભારતમાં વિધવાવિવાહની પ્રથા હતી, પરંતુ પછી આ પ્રથા બંધ થઈ.
– વિધવાઓના પુનઃલગ્ન માટે સમાજસુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા, જેમાં રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા.
– સમાજસુધારકોએ વિધવાવિવાહ માટે પુસ્તકો, ચોપાનિયાં (પેમ્ફલેટ) છાપી લોકોને આ માટે જાગ્રત કર્યા.
– મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરેએ પણ વિધવા પુનર્વિવાહ માટે અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી.
– વિધવા - આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો. સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી.
– ગુજરાતમાં ઈ.સ. 1844 માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવધર્મસભાની સ્થાપના કરી લોકોને વહેમ, અંધશ્રદ્ધા અને દોરાધાગાની પ્રવૃત્તિઓમાંથી છોડાવવા મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું
– ગુજરાતના મહાન સુધારકો નર્મદ, કરસનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ વગેરેએ પણ બાળલગ્ન અને વિધવાવિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યાં. નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો.
– ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે. બી. ગ્રાન્ટ રજૂ કરેલ બિલને જેને વિધવા પુનઃલગ્ન અધિનિયમ, 1856 તરીકે ઓળખાય છે.
– આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયાં. શ્રીચંદ્ર વિદ્યારત્ન નર્મદ સંસ્કૃત કૉલેજમાં અધ્યાપક હતા.
– એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું. એવી જ રીતે આંબમાં કુન્દકુરિ વીરેસલિંગમ, પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે, ડી. કે. કર્વે, આર. જી. ભાંડારકર, બી. એમ. માલાબારીએ પ્રસંશનીય કાર્ય કર્યું.
(3) રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો
Ans. રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો નીચે મુજબ છે.
– કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો.
– તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્ત્વોનું જ્ઞાન આપવાના મતના હતા.
– પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા.
– તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ.
– તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પનાશક્તિ અને કુતૂહલવૃત્તિ વિકસે તેવી શિક્ષણ - વ્યવસ્થા હોવી જોઈએ.
– બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા.
– શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા.
– તેમણે ઈ.સ. 1901 માં 'શાંતિનિકેતન' સંસ્થાની સ્થાપના કરી પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ - વ્યવસ્થા શરૂ કરી અનેક વિદ્વાનો આ સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા છે. સંસ્થા આગળ જતાં શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ.
(4) સ્વામી વિવેકાનંદનો ઉપદેશ
A. સ્વામી વિવેકાનંદે નીચે મુજબનો ઉપદેશ આપેલ છે.
– તેમણે તે સમયના પ્રચલત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો.
તેમણે સમાજસેવા અને સમાજ - સુધારણાનો ઉપદેશ આપ્યો.
– તેઓ સ્પષ્ટ માનતા હતા કે, જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ અથવા નિરાધાર બાળકોનાં મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહિ, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.
– તેઓ કહેતા કે, "પહેલાં અન્ન પછી ધર્મ." તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરનાં દર્શન કરતા હતા.
– તેમના મત મુજબ "માનવસેવા એ જ પ્રભુ સેવા છે." તેઓ યુવાનોને કહેતા કે, "ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો." તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે.
– તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા.
અંગ્રેજોએ શિક્ષણ - વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો.
– તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સુધી સીમિત હતો, પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહિ.
– તે સમયની સ્થિતિમાં ભારતમાં વર્ષોથી દૃઢ થયેલાં દૂષણોને દૂર કરવા માટે પણ સમાજસુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી આ દૂષણો સામે તેમણે ચોપાનિયાં, પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી.
– સમાજસુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાંક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્નો કર્યા. સમય જતાં સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ માંડ્યા.
[Q - 4]. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો.
(1) ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે?
(A) પૂર્ણિમાબહેન પકવાસા
(B) જુગતરામ દવે
(C) [✓] દુર્ગારામ મહેતા
(D) ઠક્કરબાપા
(2) અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે?
(A) વિષયવાર પાઠયપુસ્તકો
(B) [✓] મૌખિક શિક્ષણ
(C) તાલીમ પામેલ શિક્ષકો
(D) દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ
(3) ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયાં કારણને તમે જવાબદાર ગણશો?
(A) [✓] અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા
(B) અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો
(C) ખેતીનો વિકાસ
(D) કન્યાશિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ
[Q - 5]. જોડકાં જોડો.
(1) ઍલેક્ઝાન્ડર ડફ
(2) દયાનંદ સરસ્વતી
(3) ડી. કે, કર્વે.
(4) કેશવચંદ્ર સેન
(5) જોનાથન હંકન
(A) સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના
(B) 'સોમપ્રકાશ' સામાયિક દ્વારા સુધારણા-ઝુંબેશ
(C) લગ્નવય સંમતિધારો
(D) બનારસ સંસ્કૃત કૉલેજની સ્થાપના
(E) લાહોરમાં એંગ્લો વૈદિક કૉલેજની સ્થાપના
(F) પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના
Ans.
( 1 – F )
( 2 – E )
( 3 – A )
( 4 – C )
( 5 – D )
Leave a Comment